
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની કાર્યવાહી હવે ગંભીર ચર્ચાનો વિષય બની છે. શહેરની 41 હોસ્પિટલો પાસે બી.યુ. (બિલ્ડિંગ યુઝ) પરમિશન ન હોવાના મુદ્દે મનપાએ વારંવાર નોટિસો પાઠવ્યા બાદ હવે આખરી નોટિસ ફટકારી છે. જોકે, નોટિસ અપાયેલી હોસ્પિટલોના નામ જાહેર કરવામાં વિભાગ સતત આનાકાની કરતો હોવાથી પારદર્શિતા સામે પ્રશ્નો ઊભા થયા છે. સામાન્ય નાગરિકોના નાના- મોટા ગેરકાયદે દબાણો દૂર કરવામાં બુલડોઝર કાર્યવાહી કરીને તેની વ્યાપક પ્રસિદ્ધિ મેળવનાર તંત્ર હવે પ્રભાવશાળી ગણાતી હોસ્પિટલો સામે નરમ વલણ અપનાવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નોટિસો આપવામાં આવી હોવા છતાં સંબંધિત હોસ્પિટલોના નામ જાહેર કરવામાં અધિકારીઓ મૌન ધારણ કરતા શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નોટિસોની કાર્યવાહી બાદ કેટલાક પ્રભાવશાળી વર્તુળો અને રાજકીય સ્તરે ભલામણોનો દોર શરૂ થયો હોવાની ચર્ચાચાલી રહી છે. વહીવટી ગોઠવણોની અટકળો વચ્ચે હવે કાર્યવાહી માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી જશે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
*મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની?*
આ સમગ્ર મામલે સૌથી મોટો મુદ્દો દર્દીઓની સલામતીનો છે. જો બી.યુ. પરમિશન વિના કાર્યરત હોસ્પિટલોમાં આગ અથવા અન્ય કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો દર્દીઓના જીવની જવાબદારી કોણ લેશે? તે અંગે નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. લોકોનો આક્ષેપ છે કે સંબંધિત હોસ્પિટલોના નામ જાહેર ન કરીને સમગ્ર મામલે પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ તમામ હોસ્પિટલોના નામ જાહેર કરીને નિયમો મુજબ કડક કાર્યવાહી કરશે કે પછી ભલામણો અને દબાણ વચ્ચે આ મુદ્દો પણ ફાઇલોમાં જ દબાઈ જશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya