

વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી નજીક એક લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી જ દેખાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મીઓએ ઝડપી અને સઘન કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ ઓલવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ આગગ્રસ્ત બસ શાહ ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ તકનીકી ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે આગના કારણે લક્ઝરી બસને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાસ્થળે પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવાનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ