
અમદાવાદ, 09 જુલાઇ (હિ.સ.) : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસ બસના કુલ 13 જેટલા ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી છે.
એએમટીએસ-બીઆરટીએસ તંત્ર દ્વારા બસના ડ્રાઇવરો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં, બસને તેના નિયત સ્થળે ઊભી ના રાખતા તેમજ બસના પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરતાં અને અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરના નાગરિકોને સારી જાહેર પરિવહન સેવા મળી રહે તે હેતુથી તેમજ એએમટીએસ-બીઆરટીએસ બસોના ડ્રાઈવરો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરી અકસ્માત રહિત સલામત ડ્રાઇવિંગ કરે અને પ્રવાસીઓને વધુ સારી રીતે સગવડ મળી રહે તે માટે બંને સંસ્થાઓના અધિકારીઓ રોડ ઉપર દોડતી બસોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં, બસને તેના નિયત સ્થળે ઊભી ના રાખતા તેમજ બસના પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરતાં અને અકસ્માત સર્જતા હોવાનું સામે આવ્યું હતું.
અલગ અલગ રૂટ ઉપર બસોના ચેકિંગ દરમિયાન એ દરકારી સામે આવ્યું હોવાનું સામે આવતા એએમટીએસ બસના 10 ડ્રાઈવરોને અને બીઆરટીએસના 3 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે.શહેરની બસ જાહેર પરિવહન સેવાઓ એટલે કે એએમટીએસ અને બીઆરટીએસ, બસના મુસાફરો અને શહેરીજનોની સુરક્ષા જાળવવા માટે કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ કરશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસ માં બસ ચલાવનારા ડ્રાઇવરો દ્વારા બેદરકારીથી બસ ચલાવવામાં આવે છે. તાજેતરમાં જ એક બસ ડ્રાઈવર દ્વારા દારૂ પી અને બસ ચલાવવામાં આવી હતી અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તેમજ ફરિયાદો મળતી હોય છે ત્યારે આવા ડ્રાઇવરો સામે એએમટીએસ અને બીઆરટીએસ તંત્ર દ્વારા કડક પગલાં લેવાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ