સાળંગપુર જતાં શ્રદ્ધાળુઓ માટે એઆરટીઓ બોટાદનો માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બોટાદ, 09 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા સાળંગપુર ધામ ખાતે દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાળંગપુર રોડ પર આવેલા વિશામા ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન
માર્ગ સલામતી અંગે સમજ કરાત અધિકારીઓ


બોટાદ, 09 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા સાળંગપુર ધામ ખાતે દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાળંગપુર રોડ પર આવેલા વિશામા ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન ARTO વિભાગના અધિકારીઓએ શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. વાહન હંમેશા નિર્ધારિત ગતિમર્યાદામાં ચલાવવું, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું તેમજ ચારચક્રી વાહનમાં સીટબેલ્ટનો ઉપયોગ કરવો તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ બેદરકારીપૂર્વક વાહન ન હંકારી પોતાની અને અન્ય લોકોની સુરક્ષા જાળવવા સમજાવવામાં આવ્યું હતું.

અધિકારીઓએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે લાંબી મુસાફરી દરમિયાન જો થાક કે ઊંઘ અનુભવાય તો વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. પૂરતો આરામ કર્યા બાદ જ આગળની મુસાફરી શરૂ કરવાથી અકસ્માતોની શક્યતા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. શ્રદ્ધાળુઓને સમયસર વિરામ લેવાની અને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે માર્ગ સલામતી અંગેના જનજાગૃતિ પેમ્ફલેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પેમ્ફલેટ દ્વારા ટ્રાફિક નિયમો, સુરક્ષિત ડ્રાઇવિંગના નિયમો અને અકસ્માત નિવારણ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

ARTO બોટાદ દ્વારા શ્રદ્ધાળુઓને પોતાની તેમજ અન્ય માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષાને સર્વોપરી રાખી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવતો આ કાર્યક્રમ શ્રદ્ધાળુઓ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande