

વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) વડોદરા તાલુકાના નંદેસરી ગામના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની જમીન ગેરકાયદેસર રીતે કબજે કરાઈ હોવાનો આક્ષેપ કરી આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ખેડૂતોના જણાવ્યા મુજબ, કૈલાશ ખિનચી નામના વ્યક્તિએ પોતાને ખેડૂત તરીકે રજૂ કરીને ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આક્ષેપ છે. ખેડૂતોનો દાવો છે કે સંબંધિત વ્યક્તિ ગુજરાત રાજ્યની બહારના હોવા છતાં ખોટી વિગતોના આધારે જમીન મેળવવાનો પ્રયાસ કર્યો છે.
આક્ષેપો અનુસાર, આ સમગ્ર મામલે ખેડૂતોને આર્થિક અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ખેડૂતોએ આવેદનપત્રમાં તેમની જમીન પરનો કથિત ગેરકાયદેસર કબજો દૂર કરીને જમીનનો કબજો મૂળ માલિકોને પરત અપાવવાની પણ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સંબંધિત વ્યક્તિ અથવા વહીવટી તંત્રનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી. હવે આ મામલે જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ