


પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : રેડક્રોસ સોસાયટી, સિદ્ધપુર તાલુકા શાખા દ્વારા સરકારી હોમિયોપેથી કોલેજ અને ગોકુલ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે થેલેસેમિયા ટેસ્ટિંગ માટે બ્લડ કલેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો.
સરકારી હોમિયોપેથી કોલેજમાં 124 વિદ્યાર્થીઓએ જ્યારે ગોકુલ ફિઝિયોથેરાપી કોલેજમાં 52 વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ આપ્યા હતા. આમ બંને કોલેજોમાં કુલ 176 વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લઈ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રેડ ક્રોસ સોસાયટીના સુરેશભાઈ પંચાલ અને ભરતભાઈ મોદી હાજર રહ્યા હતા. બંને કોલેજોના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આયોજકો દ્વારા કરવામાં આવેલી સુચારૂ વ્યવસ્થાની પણ ઉપસ્થિતોએ પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ