
બોટાદ, 09 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડો. ભારતીબેન ધોળકીયાએ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નાગનેશ તેમજ સબ સેન્ટર બરાનિયાની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન મમતા દિવસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને માતા-બાળ આરોગ્ય તેમજ રસીકરણ કાર્યક્રમની પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન ડો. ભારતીબેન ધોળકીયાએ મમતા દિવસ અંતર્ગત ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને નાના બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આરોગ્ય કર્મચારીઓ પાસેથી રસીકરણની કામગીરી, લાભાર્થીઓની નોંધણી, સમયસર રસી આપવાની પ્રક્રિયા તેમજ સરકારી માર્ગદર્શિકાના પાલન અંગે માહિતી મેળવી હતી.
ત્યારબાદ તેમણે બરાનિયા ગામની આંગણવાડીની મુલાકાત લઈ બાળકોના પોષણ, વૃદ્ધિ નિરીક્ષણ, પૂરક પોષણ આહાર તેમજ પ્રિ-સ્કૂલ પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવી હતી. આંગણવાડી કાર્યકર અને આશા બહેનો સાથે ચર્ચા કરી બાળકો અને ગર્ભવતી મહિલાઓ સુધી તમામ આરોગ્ય સેવાઓ સમયસર પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સીડીએચઓએ ખાસ કરીને નિયમિત રસીકરણ અભિયાનને વધુ અસરકારક બનાવવા, કોઈપણ બાળક અથવા ગર્ભવતી મહિલા રસીકરણથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા તેમજ દરેક લાભાર્થીનું સમયસર ફોલોઅપ કરવા સૂચના આપી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓને ગુણવત્તાસભર સેવા આપવા અને સરકારના માતા-બાળ આરોગ્ય કાર્યક્રમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા પર ભાર મૂક્યો હતો.
મુલાકાતના અંતે ડો. ભારતીબેન ધોળકીયાએ આરોગ્ય ટીમના કાર્યની પ્રશંસા કરી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે સતત સંકલન અને લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA