
નવસારી, 09 જુલાઈ (હિ.સ.): ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ, વહીવટી કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના આગમન પર જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણી, પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે સત્તાવાર સ્વાગત કર્યું હતું. બેઠકમાં દક્ષિણ ગુજરાતના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, નવસારી મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોને ઝડપી સહાય પહોંચાડવા માટે સંભવિત રાહત પેકેજ સહિત વિવિધ વિકલ્પો પર ચર્ચા થઈ હતી. ઉપરાંત, સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિકાસ સંબંધિત પ્રશ્નો અને ચાલુ પ્રોજેક્ટોને ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે