

પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.)સમુદ્રકાંઠાના પર્યટન સ્થળ એવા પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આજરોજ વહેલી સવારે સમુદ્રમાં એક કન્ટેનર જોવા મળતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. રામેશ્વર ચોપાટી સામે સમુદ્રમાં કન્ટેનર દેખાતા તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો કિનારે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ માધવપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. લોકોની ભીડ વધતા સલામતીના ભાગરૂપે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કિનારે એકત્ર થયેલા લોકોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ કોઈપણ વ્યક્તિને કન્ટેનરની નજીક ન જવા સૂચના આપવામાં આવી હતી.સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ કન્ટેનર સમુદ્રમાં તૂટી ગયેલા કોઈ કાર્ગો જહાજ અથવા વહાણમાંથી વહેતું આવી કિનારા નજીક પહોંચ્યું હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.કન્ટેનર ક્યાંથી આવ્યું, તેમાં શું છે અને તે કિનારે કેવી રીતે પહોંચ્યું તે અંગે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે. હાલ સમગ્ર ઘટનાએ માધવપુર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya