બોટાદમાં જિલ્લા ક્ષય અધિકારીની આરોગ્ય સેવાઓની સમીક્ષા, ટીબી અને રક્તપિત દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી
બોટાદ, 09 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના જિલ્લા ક્ષય અધિકારીએ ગઢડા તાલુકામાં વિવિધ આરોગ્ય સંસ્થાઓની મુલાકાત લઈ ક્ષયરોગ (ટીબી) અને રક્તપિત (કુષ્ઠરોગ) નિયંત્રણ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓની સ
સમીક્ષા કરતા અધિકારીઓ


બોટાદ, 09 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના જિલ્લા ક્ષય અધિકારીએ ગઢડા તાલુકામાં વિવિધ આરોગ્ય સંસ્થાઓની મુલાકાત લઈ ક્ષયરોગ (ટીબી) અને રક્તપિત (કુષ્ઠરોગ) નિયંત્રણ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓની સારવાર અને સરકારી આરોગ્ય યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા ક્ષય અધિકારીએ સૌપ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ગઢડાની લેબોરેટરીની મુલાકાત લઈ નિદાન માટે ઉપલબ્ધ સુવિધાઓ, તપાસ પ્રક્રિયા તેમજ દર્દીઓને આપવામાં આવતી સેવાઓની માહિતી મેળવી હતી. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી કુંડળ તેમજ તેના પેટા આરોગ્ય કેન્દ્ર પાટણા ખાતે યોજાયેલા મમતા દિવસ કાર્યક્રમમાં હાજરી આપી ગર્ભવતી માતાઓ અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન જિલ્લા ક્ષય અધિકારીએ ટીબી દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ તેમની સારવાર, દવાઓનું નિયમિત સેવન અને આરોગ્ય સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી. ઉપરાંત વાડી વિસ્તારમાં રહેતા રક્તપિત દર્દીની પણ રૂબરૂ મુલાકાત લઈ તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી. દર્દીને સારવાર નિયમિત રીતે મળે અને દવાઓ સમયસર લેવાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશેષરૂપે રક્તપિત દર્દીને આપવામાં આવતી મલ્ટી ડ્રગ થેરાપી (MDT)ની દવાનો પ્રથમ ડોઝ જિલ્લા ક્ષય અધિકારીની ઉપસ્થિતિમાં ગળાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દર્દી અને તેમના પરિવારજનોને સારવાર અધૂરી ન છોડવા તેમજ નિયમિત દવાઓ લેવાની સમજણ આપવામાં આવી હતી.

જિલ્લા ક્ષય અધિકારીએ આરોગ્ય કર્મચારીઓને ટીબી અને રક્તપિત જેવા રોગોના વહેલા નિદાન, સમયસર સારવાર અને લોકોમાં જાગૃતિ લાવવા વધુ સક્રિય કામગીરી કરવા સૂચના આપી હતી. સરકારના આરોગ્ય કાર્યક્રમોનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે અને જિલ્લામાં ટીબી તથા રક્તપિત મુક્ત સમાજના લક્ષ્યને સિદ્ધ કરવા સૌએ સંકલિત પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande