
બોટાદ, 09 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં રાજ્ય સરકારના નેશનલ એડિબલ ઓઇલ મિશન (National Edible Oil Mission) અંતર્ગત ખેડૂતોને ખેતીમાં પ્રોત્સાહન મળે અને તેલીબિયાં પાકોના ઉત્પાદનને વેગ મળે તે હેતુથી મગફળી અને તલના બિયારણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. યોજનાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સુરેશ ગોધાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે તે માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેના ભાગરૂપે મગફળીનું સર્ટિફાઇડ બિયારણ ખેડૂતોને 100 ટકા સબસીડી હેઠળ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અંદાજે 250 જેટલા ખેડૂતોને પ્રતિ ખેડૂત ત્રણ કિલોગ્રામ સર્ટિફાઇડ તલનું બિયારણ પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મગફળીનું બિયારણ પ્રતિ ખેડૂત પાંચ મણ સુધી વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. જરૂરી દસ્તાવેજો સાથે આવેલા પાત્ર ખેડૂતોને પારદર્શક રીતે યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ થતાં ખેડૂતોને ખેતી ખર્ચમાં રાહત મળશે તેમજ વધુ ઉત્પાદન મેળવવામાં પણ મદદરૂપ બનશે.
ખેડૂતોએ સરકારની આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે આવી સહાયરૂપ યોજનાઓથી ખેતી વધુ નફાકારક બનવામાં મદદ મળે છે. ગુણવત્તાયુક્ત બિયારણના ઉપયોગથી પાકની ઉત્પાદકતા વધવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના સર્વાંગી વિકાસ અને કૃષિ ઉત્પાદન વધારવાના હેતુથી અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગઢડા તાલુકામાં યોજાયેલ આ વિનામૂલ્યે બિયારણ વિતરણ કાર્યક્રમ પણ ખેડૂતોને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA