


વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેર નજીક દશરથ ગામ ખાતે જીએસએફસી યુનિવર્સિટીના ગેટ સામે આવેલા બ્રિજ પર આજે સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં સ્કૂટર પર જઈ રહેલી મહિલાનું કરુણ મોત થયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ટાટા મોટર્સ, રણોલી ખાતે નોકરી માટે જઈ રહેલા હેમા પરેશભાઈ પંડ્યા, જે છાણીના પ્રીત બંગલો સોસાયટીમાં રહેતા હતા, તેઓ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમને ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે હેલ્મેટ પહેરેલું હોવા છતાં હેમાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં છાણી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.હેમાબેનના અકાળ અવસાનના સમાચાર મળતા છાણીના પ્રીત બંગલો સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ