
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ખારવાવાડ, કામનાથ મહાદેવ મંદિર પાસે રહેતા અને શિપ વેલ્ડિંગનું કામ કરતા 47 વર્ષીય અરવિંદ કોટીયા સાથે વિદેશમાં નોકરી અપાવવાના બહાને રૂ. 2.07 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ વડોદરાના કારોડિયા-બાજવા રોડ સ્થિત દીજ્યોતિ ટેનામેન્ટમાં રહેતા રમેશ ચંદુભાઈ ચૌહાણે અરવિંદભાઈને ઇઝરાયલમાં સારી નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. આ માટે વિઝા, ટિકિટ અને અન્ય પ્રક્રિયાના ખર્ચના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ. 2,07,200 લીધા હતા. ઉપરાંત જરૂરી પ્રક્રિયા હોવાનું કહી ફરિયાદીનો ઓરિજિનલ પાસપોર્ટ પણ પોતાની પાસે રાખી લીધો હતો. સમય પસાર થયા છતાં આરોપીએ ફરિયાદીને ઇઝરાયલ મોકલવાની કોઈ કાર્યવાહી કરી નહોતી. ફરિયાદીએ અનેક વખત રૂપિયા અને પાસપોર્ટ પરત આપવા માંગણી કરી હોવા છતાં આરોપીએ બંને પરત આપ્યા નહોતા. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા અરવિંદભાઈએ પોલીસનો આશરો લીધો હતો.
આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે રમેશ ચંદુભાઈ ચૌહાણ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya