સુરત પૂર બાદ સરકારનું મોટું એક્શન: ખાડી વિકાસ માટે રૂ.500 કરોડ, બેદરકારી સામે કડક કાર્યવાહીનો સંદેશ
સુરત, 09 જુલાઈ (હિ.સ.) : સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં શહેરની ખાડીઓના પુનર્વિકાસ, ઊંડાણ વધારવા અને પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બનેલા ગેરકાયદે દ
Surat


સુરત, 09 જુલાઈ (હિ.સ.) : સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં શહેરની ખાડીઓના પુનર્વિકાસ, ઊંડાણ વધારવા અને પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બનેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજ્ય સરકારે ₹500 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે તંત્રે ઝડપી અને અસરકારક કામગીરી કરવી પડશે.

બેઠક દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોના જનપ્રતિનિધિઓએ વહીવટી તંત્રની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેના પગલે મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી કે વિકાસ કાર્યોમાં બેદરકારી, નબળી ગુણવત્તા અથવા ફરજમાં બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક તેમજ જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ખાડી કિનારાના તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવા મનપાને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે.

સરકારે પૂરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે તમામ વિભાગોને સંકલિત રીતે કામ કરવાની સૂચના આપી છે. અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ અને ઘરવખરી સહાય 24 કલાકમાં પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત દુકાનો અને રહેણાંક મકાનોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે પૂર્ણ કરી યોગ્ય આર્થિક સહાય અથવા રાહત પેકેજ અંગે રાજ્ય સ્તરે નિર્ણય લેવામાં આવશે.

આ સમગ્ર ઘટનાક્રમમાં વરસાદી પાણીના નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થા, ખાડીઓની સફાઈ, માર્ગોના બાંધકામ અને ઇમરજન્સી મેનેજમેન્ટ જેવી બાબતોમાં રહેલી ખામીઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. સરકાર હવે લાંબા ગાળાનો ફ્લડ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાની સાથે તૂટી ગયેલા રસ્તાઓ, નબળી ગુણવત્તાના કામો અને જવાબદાર તંત્રની કામગીરીની પણ વિગતવાર તપાસ કરશે જેથી ભવિષ્યમાં સુરતને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande