

ભરૂચ,09 જુલાઈ (હિ.સ.) ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે એક મહિનાની ઉંમરનું એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ચોમાસાના વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લા આકાશ નીચે કોઈ પાષાણ હૃદયની વ્યક્તિ આ માસૂમ બાળકને નિરાધાર છોડીને ફરાર થઈ ગઈ હતી.
નહેર પાસેથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકોની નજર આ ત્યજી દેવાયેલા બાળક પર પડી હતી. બાળકની સ્થિતિ જોઈને સ્થાનિકોએ જરાય વિલંબ કર્યા વિના તાત્કાલિક '108' એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે બાળકને પ્રાથમિક સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ, બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સઘન અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
આ સંવેદનશીલ ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે માસૂમ બાળકને આ રીતે રઝળતું અને અસહાય છોડી જનાર અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ નવજાત શિશુ કોનું છે અને તેને કયા સંજોગોમાં કે કારણોસર આ રીતે ત્યજી દેવામાં આવ્યું, તે દિશામાં પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક સ્તરે પૂછપરછ કરીને આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ