
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : કાઠી ગામના રહેવાસી અને એસ.આર.પી.એત્રણજી ચંદુજી ઠાકોર પરિવાર સાથે ઘર બંધ કરીને તોરણીપુર ગયા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી લોખંડની તિજોરીનો લોક તોડી સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. બપોરે ફરિયાદીના કાકાએ ઘરના તૂટેલા તાળાની જાણ કરતાં પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ચોરીની ઘટના સામે આવી હતી.
તસ્કરો રૂ. 1,61,500 કિંમતના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયા હતા. ચોરી થયેલા મુદ્દામાલમાં સોનાની ચેન, હાંસડી, કાનની શેર, કડું, ચાર બંગડીઓ તેમજ ચાંદીનો કંદોરો, લક્કી, માઠિયા અને પોલ સહિતના કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે પરિવારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો.
વિનોદજી ઠાકોરની ફરિયાદના આધારે હારીજ પોલીસે અજાણ્યા ચોર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 305(a) અને 331(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ બલવંતભાઈ મહેરાઇયાના માર્ગદર્શન હેઠળ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ