
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : પાટણ-ચાણસ્મા હાઇવે પર ખીમિયાણા ગામ નજીક લોખંડના સળિયા ભરેલી ટ્રક અને ટર્બો વચ્ચે સામસામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની કેબિન સંપૂર્ણ કચડાઈ ગઈ હતી. ચાલક અંદર ફસાઈ જતાં સ્થાનિક લોકોએ પોલીસ, 108 અને પાટણ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડે JCB અને કટરની મદદથી લગભગ ત્રણ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ચાલકને બહાર કાઢ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અકસ્માત બાદ ટર્બોનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ફોરલેન હાઇવે પર એક તરફનો માર્ગ અચાનક બંધ થતાં વાહનો હાઈ સ્પીડમાં સામસામે આવી જાય છે અને આવા અકસ્માતો સર્જાય છે. આ સ્થિતિ અટકાવવા તંત્રે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવાની માંગ ઉઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ