જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 46 વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠિત 'SHODH' ફેલોશીપ માટે પસંદગી
જુનાગઢ,09 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી ''SHODH'' (Scheme of Developing High-quality Rese
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 46 વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠિત 'SHODH' ફેલોશીપ માટે પસંદગી


જુનાગઢ,09 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી 'SHODH' (Scheme of Developing High-quality Research) યોજના અંતર્ગત યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના 46 પીએચ.ડી. (Ph.D.) સંશોધક વિદ્યાર્થીઓની આ પ્રતિષ્ઠિત ફેલોશીપ માટે પસંદગી કરવામાં આવી છે.

કૃષિ ક્ષેત્રે નૂતન અને ગુણવત્તાસભર સંશોધનો કરતા વિદ્યાર્થીઓ માટે આ એક મોટી પ્રોત્સાહક સિદ્ધિ છે. આ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ના સંશોધન કાર્ય માટે સરકાર તરફથી નિયત માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત, સંશોધન સામગ્રી અને અન્ય ખર્ચ માટે વાર્ષિક કન્ટીજન્સી ગ્રાન્ટ પણ મળવાપાત્ર રહે છે. આ આર્થિક સહાયને કારણે વિદ્યાર્થીઓ કોઈપણ નાણાકીય ચિંતા વગર પોતાના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરી વૈશ્વિક સ્તરનું કામ કરી શકશે.

આ અભૂતોપૂર્વ સફળતા બદલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટીયા, સંશોધન નિયામક તેમજ અનુસ્નાતક વિદ્યાશાખાના ડીન ડો. એ. જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ, કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણી, તથા વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડો. આર. એમ. સોલંકી દ્વારા તમામ 46 વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક પ્રોફેસરોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આ ફેલોશીપ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે એવા પ્રયોગો અને સંશોધનો કરવા માટે પ્રેરિત કરશે, જેનો સીધો લાભ રાજ્યના અને દેશના ખેડૂતોને મળશે. આ સફળતા યુનિવર્સિટીના ઉચ્ચ શૈક્ષણિક સ્તરને દર્શાવે છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓ કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી વગેરે જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યા છે. આ સંશોધનો આગામી સમયમાં ખેતીના આધુનિકીકરણ, પાક ઉત્પાદકતામાં વધારો અને ખેડૂતોની આવક વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે,

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande