



કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : ગુજરાત પોલીસના જનમૈત્રી અભિગમને વધુ મજબૂત બનાવતા તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ આદિપુર પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસની સતર્કતા, આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ અને સતત તપાસના પરિણામે કુલ રૂ. 11,95,011 કિંમતનો ગુમ થયેલો તેમજ ચોરીમાં ગયેલો મુદ્દામાલ શોધી કાઢી આજે તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ ગાઢ બન્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ દ્વારા પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનું મજબૂત બંધન ઉભું થાય તેમજ ગુમ થયેલી મિલકત ઝડપથી તેના માલિક સુધી પહોંચે તે હેતુથી આ અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું.
આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે મોબાઇલ ગુમ થવાની અરજીઓ પર ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. સી.ડી.આર. વિશ્લેષણ, CEIR પોર્ટલ અને વિવિધ સ્થળોના CCTV ફૂટેજના આધારે કુલ 16 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા, જેની કુલ કિંમત રૂ. 4,03,011 થાય છે.
આ ઉપરાંત તપાસ દરમિયાન અરજદારની અંદાજે દોઢ તોલાની સોનાની ચેઇન કિંમત રૂ. 1.50 લાખ, રોકડ રૂ. 32 હજાર સાથેનું ગુમ થયેલું પર્સ તેમજ રૂ. 70 હજાર કિંમતના બે લેપટોપ પણ શોધી કાઢવામાં આવ્યા. એટલું જ નહીં, આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના ગુનામાંથી રૂ. 5.40 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી હતી.
આમ વિવિધ ગુનાઓ અને ગુમ થયેલી મિલકત મળી કુલ રૂ. 11,95,011નો મુદ્દામાલ પરત મેળવ્યા બાદ આદિપુર પોલીસ સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત તમામ મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પોલીસ કર્મચારીઓના હસ્તે પરત સોંપવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી સામાન પરત મળતાં અરજદારોએ આદિપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસની કામગીરીને બિરદાવી હતી.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તેમજ આદિપુર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટેકનોલોજીના અસરકારક ઉપયોગ અને ટીમવર્કના આધારે આદિપુર પોલીસે માત્ર ગુમ થયેલો મુદ્દામાલ જ પરત અપાવ્યો નથી, પરંતુ લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો પણ સફળ પ્રયાસ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar