ભુજમાં શંકાસ્પદ એલ્યુમિનિયમ વાયર સાથે ત્રણ શખ્સ ઝડપાયા, ₹3.75 લાખનો મુદ્દામાલ કબજે
કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ચોરીના બનાવો પર અસરકારક નિયંત્રણ લાવવા અને આધાર પુરાવા વગર કિંમતી માલસામાનની હેરફેર અટકાવવાના અભિયાન દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભુજ વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના
એલ્યુમિનિયમના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓ


કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ચોરીના બનાવો પર અસરકારક નિયંત્રણ લાવવા અને આધાર પુરાવા વગર કિંમતી માલસામાનની હેરફેર અટકાવવાના અભિયાન દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભુજ વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે દરોડો પાડી ત્રણ શખ્સોને એલ્યુમિનિયમના વાયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસે જપ્ત કરાયેલા માલ અંગે કોઈપણ પ્રકારનું બિલ, ખરીદીના દસ્તાવેજો કે માલિકીનો પુરાવો રજૂ કરી શક્યા નહોતા.

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા વિશેષ અભિયાન દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે શંકાસ્પદ વાહનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન લોડિંગ પીકઅપ વાહનના પાછળના ભાગમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમના વાયરના ગુચ્છા મળી આવ્યા હતા. પોલીસે જ્યારે આ માલ ક્યાંથી મેળવ્યો અને તેની ખરીદીના પુરાવા અંગે પૂછપરછ કરી ત્યારે ત્રણેય શખ્સો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આરોપીઓ આ એલ્યુમિનિયમના વાયરો ચોરી અથવા અન્ય ગેરકાયદેસર રીતે મેળવી ભુજમાં વેચાણ માટે લઈ જઈ રહ્યા હતા. આથી પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી તેમની સામે બી.એન.એસ.એસ.ની કલમ 35(1)(ઈ) હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ વાયરનો મૂળ સ્ત્રોત શોધવા અને તે કોઈ ચોરીના ગુના સાથે સંકળાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં સુમરાસર (શેખ) ગામના ઇમરાન આમદ કેવર (ઉંમર 30 વર્ષ), સોયબ સુલેમાન સમેજા (ઉંમર 26 વર્ષ) અને રિઝવાન સુલેમાન સમેજા (ઉંમર 22 વર્ષ)નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓના કબ્જામાંથી અંદાજે 500 કિલોગ્રામ એલ્યુમિનિયમના વાયરો, જેની કિંમત આશરે ₹75 હજાર થાય છે, તેમજ જીએજે-06-એએક્સ-9453 નંબરનું લોડિંગ પીકઅપ વાહન, જેની કિંમત આશરે ₹3 લાખ છે, એમ કુલ અંદાજે ₹3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કામગીરી એલસીબીના PSI એમ. એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI અનિરૂદ્ધસિંહ રાઠોડ, ASI નિલેશભાઈ ભટ્ટ, UHC ધર્મેન્દ્રભાઈ રાવલ, UHC શક્તિસિંહ ગઢવી અને UHC જીવરાજભાઈ ગઢવીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ચોરીના બનાવો અને શંકાસ્પદ માલસામાનની હેરફેર સામે આવી જ રીતે કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande