મુન્દ્રા–પાણીપત IOCL પાઇપલાઇનમાં ડીઝલ ચોરીનો ષડયંત્ર નિષ્ફળ: ગાંધીધામ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા
કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મુન્દ્રાથી પાણીપત સુધી જતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની ડીઝલ પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને ડીઝલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર સાત આરોપીઓને ગાંધીધામ ''બી'
IOCL પાઇપલાઇન માંથી ડીઝલ ચોરીના આરોપીઓ


કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મુન્દ્રાથી પાણીપત સુધી જતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની ડીઝલ પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને ડીઝલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર સાત આરોપીઓને ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે આજે ઝડપી પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આધુનિક સર્વેલન્સ, ટેક્નિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાથ ધરાયેલી તપાસમાં પોલીસે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી આરોપીઓને શોધી કાઢ્યા હતા.

ગત 2 જુલાઈ, 2026ની રાત્રે ગાંધીધામ તાલુકાના ચુડવા સીમ વિસ્તારમાંથી પસાર થતી IOCLની ડીઝલ પાઇપલાઇન નજીક અજાણ્યા શખ્સોએ જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું. જોકે કંપનીની અદ્યતન એલાર્મ સિસ્ટમ સક્રિય થતાં સુરક્ષા વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ થઈ હતી. સુરક્ષા કર્મચારીઓ સ્થળે પહોંચતા જ આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન સંબંધિત કાયદા અને જાહેર મિલ્કતને નુકસાન અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી હથોડી, પાવડા, ત્રિકમ, તગારાં, શ્રેણી અને તાડપત્રી સહિતના સાધનો કબજે કર્યા હતા, જેનો ઉપયોગ પાઇપલાઇન સુધી પહોંચવા માટે કરવામાં આવતો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. અગાઉ આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વોની પૂછપરછ, ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન બે આરોપીઓને ગાંધીનગર જિલ્લાના સાદરા, એકને પાટણ અને ચારને ગાંધીધામ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં પાટણના સલીમભાઈ અનવરભાઈ શેખ, ગાંધીનગર જિલ્લાના સાદરાના અનવરહુશેન યાકુબમિયા શેખ અને મહમદરફીક અનવરહુશેન શેખ, મેઘપર બોરીચીના કપીલદેવસિંગ રામરતનસિંગ રાજપુત, આદિપુરના સામજીભાઈ ધમાભાઈ જરૂ તેમજ ગાંધીધામના સુંદરપુરી વિસ્તારના ચકાભાઈ દુબળાભાઈ રાઠોડ અને રાહુલ શંકરભાઈ નિનામાનો સમાવેશ થાય છે.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને ડીઝલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેઓ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા હતા કે નહીં તેમજ આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અનવરહુશેન યાકુબમિયા શેખ સામે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે પાઇપલાઇન તોડી ડીઝલ ચોરી કરવાનો ગુનો નોંધાયો હતો તેમજ તેની સામે જુગારધારા હેઠળના અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે. સલીમ અનવર શેખ સામે પ્રોહિબિશન અને જુગાર સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મહમદરફીક અનવરહુશેન શેખ સામે પણ જુગારનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર સફળ કામગીરી ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી. બાંભા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી. પોલીસની ઝડપી અને સુનિયોજિત કામગીરીને કારણે કરોડો રૂપિયાના મૂલ્યની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande