




કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : કચ્છના અંતરિયાળ અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોની દીકરીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ ભુજમાં સાકાર થયો છે. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને કચ્છ મહિલા વિકાસ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ૪૫ અખર કેન્દ્રો સાથે સંકળાયેલી અંદાજે ૪૫૦ દીકરીઓને પુનઃ શાળામાં પ્રવેશ અપાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી દિશા આપવામાં આવી. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માત્ર શૈક્ષણિક પહેલ નહીં, પરંતુ ગ્રામ્ય સમાજમાં દીકરીઓના શિક્ષણને નવી ઊર્જા આપતો સંવેદનશીલ પ્રયાસ બની રહ્યો.
કાર્યક્રમની શરૂઆત પ્રતીકાત્મક રીતે માટીના કુંડામાં બીજારોપણ કરીને કરવામાં આવી હતી, જે દીકરીઓના જીવનમાં જ્ઞાનના નવા બીજ રોપવાના સંકલ્પનું પ્રતિક બન્યું. કચ્છ મહિલા વિકાસ સંગઠનના સંચાલક કૃતિબેન લહેરુએ સંગઠન દ્વારા છેલ્લા ૩૭ વર્ષથી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોનો પરિચય આપતાં જણાવ્યું કે શિક્ષણ જ મહિલાઓના સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર છે.
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ દીકરીઓને અભ્યાસમાં સતત આગળ વધવા પ્રેરણા આપતાં જણાવ્યું કે શિક્ષણ એ સોનેરી ભવિષ્યનું પ્રથમ પગથિયું છે. તેમણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની માતાઓની પ્રશંસા કરી કે જેઓ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાની દીકરીઓને શિક્ષણ અપાવવા પ્રતિબદ્ધ છે. દીકરીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવી જોઈએ તેવો સંદેશ પણ તેમણે આપ્યો.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શાળા છોડનાર દીકરીઓને ફરી શિક્ષણ સાથે જોડવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. ચાલુ વર્ષે શરૂ થયેલી નવી શાળાઓમાં પણ આ દીકરીઓને સરળતાથી પ્રવેશ મળે તે માટે શિક્ષણ વિભાગ સતત સહયોગ આપશે તેવી ખાતરી તેમણે વ્યક્ત કરી.
કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે અખર કેન્દ્રોમાંથી એસ.એસ.સી.ની પરીક્ષા આપનાર વિદ્યાર્થિનીઓમાંથી શ્રેષ્ઠ ગુણ મેળવનારી પાંચ તેજસ્વી દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ આ વર્ષે પ્રથમ વખત શાળામાં પ્રવેશ મેળવનારી પાંચ દીકરીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સન્માનિત દીકરીઓએ પોતાના સપનાઓ અને શિક્ષણથી જીવનમાં પરિવર્તન લાવવાના સંકલ્પ વિશે વાત કરતાં આ તક બદલ આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કચ્છના નવા જિલ્લા શિક્ષણાધિકારી તરીકે જવાબદારી સંભાળનાર સંજયભાઈ પરમારનું પણ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કાર્બન એજ કંપનીના પ્રતિનિધિઓ અનુરાગ પન્ના અને પાયલબેન, માતૃછાયા કન્યા વિદ્યાલયના આચાર્યા સુહાસબેન તન્ના, શાળાનો સમગ્ર સ્ટાફ, મોટી સંખ્યામાં દીકરીઓ, તેમની માતાઓ તેમજ અખર કેન્દ્રોના પ્રશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જય અંજારિયાએ કર્યું હતું.
આ સમગ્ર પહેલને સરહદી રેન્જના આઈ.જી. ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કચ્છ મહિલા વિકાસ સંગઠનની ટીમ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને માતૃછાયા પરિવારના સભ્યોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
આ પહેલ એ સાબિત કરે છે કે સંકલ્પ, સંવેદના અને સંકલન સાથે કરવામાં આવેલા પ્રયાસોથી શિક્ષણથી વંચિત રહેલી દીકરીઓના જીવનમાં પણ આશાનું નવું કિરણ પ્રગટાવી શકાય છે. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાંથી ઉગતી આ શિક્ષણની જ્યોત આવનારા સમયમાં અનેક દીકરીઓના સપનાઓને નવી ઉડાન આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar