
કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) સમયસર કરવામાં આવેલી આરોગ્ય તપાસ અને રાજ્ય સરકારની નિઃશુલ્ક સારવાર યોજનાના અસરકારક અમલના કારણે મુન્દ્રાના એક 9 વર્ષના બાળકને નવજીવન મળ્યું છે. જન્મજાત હૃદયની ગંભીર ખામીથી પીડાતા આ બાળકની અમદાવાદ ખાતે સફળ હૃદય સર્જરી કરવામાં આવી હતી. હાલમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ છે, નિયમિત શાળાએ જઈ રહ્યો છે અને અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવી રહ્યો છે.
રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ શાળા આરોગ્ય તપાસ દરમિયાન મુન્દ્રા શહેરની આર.ડી. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-3ના વિદ્યાર્થી પરબત વેરશી રબારીનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તબીબોની ટીમે બાળકમાં જન્મજાત હૃદયની ખામી (Congenital Heart Disease) હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જરૂરી તબીબી તપાસમાં આ નિદાનની પુષ્ટિ થતાં બાળકને તાત્કાલિક ઉચ્ચ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા હેઠળ બાળકને અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં નિષ્ણાત કાર્ડિયાક સર્જનોની ટીમે સફળતાપૂર્વક હૃદયનું ઓપરેશન કર્યું હતું. સમગ્ર સારવાર અને સર્જરીનો ખર્ચ રાજ્ય સરકારની યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવ્યો હોવાથી પરિવાર પર કોઈ આર્થિક બોજો આવ્યો નહોતો.
સર્જરી બાદ પણ આરોગ્ય વિભાગે બાળકની સતત દેખરેખ રાખી હતી. UPHC મુન્દ્રા અને RBSKની ટીમે બાળકના ઘરે જઈ તેની તબિયતની નિયમિત સમીક્ષા કરી હતી. હાલ બાળકની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તે ફરીથી પોતાના અભ્યાસ તેમજ દૈનિક જીવનમાં સક્રિય બન્યો છે.
આ સમગ્ર કામગીરીમાં RBSK મુન્દ્રાની ટીમના ડૉ. યોગી, ડૉ. અવની, ફીમેલ હેલ્થ વર્કર મનીષાબેન તથા ફાર્માસિસ્ટ અકાંક્ષાબેને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમયસર સ્ક્રીનિંગ, યોગ્ય માર્ગદર્શન, ઝડપી રિફરલ અને સતત ફોલો-અપના કારણે બાળકને સમયસર સારવાર મળી શકી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ થતી નિયમિત તપાસ અનેક ગંભીર અને જન્મજાત બીમારીઓને સમયસર ઓળખવામાં અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. યોગ્ય સમયે નિદાન અને નિઃશુલ્ક સારવાર મળવાથી બાળકોને સ્વસ્થ જીવનની નવી તક મળી રહી છે. આ ઘટના રાજ્ય સરકારની જનકલ્યાણકારી આરોગ્ય યોજનાઓ અને આરોગ્ય વિભાગની સેવાભાવના પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar