
કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : આગામી દિવસોમાં તૈયાર થનારી મતદારયાદીના વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠનની મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મતદારોની સંખ્યાનું સંતુલન જળવાઈ રહે તે માટે મતદાન મથકોનું પુનઃઆયોજન કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ દરેક મતદાન મથકે વધુમાં વધુ ૧૨૦૦ મતદારોની મર્યાદા જળવાય તે માટે પ્રાથમિક સુધારેલી મતદાન મથકોની યાદી તૈયાર કરીને જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદારોને સરળ, સુવિધાજનક અને સુવ્યવસ્થિત રીતે મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ચૂંટણી પ્રક્રિયા વધુ અસરકારક અને પારદર્શક બની શકે.
જાહેર કરાયેલી પ્રાથમિક યાદી સંબંધિત મતદાન મથકો ઉપરાંત ગ્રામ પંચાયત કચેરીઓ, નગરપાલિકા કચેરીઓ, મામલતદાર કચેરીઓ, સંબંધિત પ્રાંત અધિકારીઓની કચેરીઓ તેમજ કલેકટર કચેરી, કચ્છની ચૂંટણી શાખામાં નિરીક્ષણ માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે. મતદારો અને જનપ્રતિનિધિઓ આ યાદીનું અવલોકન કરીને તેમાં કોઈ સુધારા, વાંધા કે સૂચનો હોય તો તે લેખિત સ્વરૂપે રજૂ કરી શકશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કચ્છે જિલ્લાના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે. મતદાન મથકોની પ્રાથમિક યાદી અંગેના તમામ વાંધા અથવા સૂચનો તા. ૧૬ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં કલેકટર કચેરી, ચૂંટણી શાખા, ભુજ-કચ્છ ખાતે લેખિતમાં પહોંચે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રાપ્ત થયેલા સૂચનો અને વાંધાઓની સમીક્ષા કરીને અંતિમ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar