મહુવામાં વરલી મટકાના જુગાર પર એલસીબીનો દરોડો, મુદ્દામાલ સાથે એક ઝડપાયો
ભાવનગર, 09 જુલાઈ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા મહુવા શહેરમાં વરલી મટકાના જુગાર સામે કાર્યવાહી હાથ ધરી એક શખ્સને રૂ. 12,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવા
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ


ભાવનગર, 09 જુલાઈ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા મહુવા શહેરમાં વરલી મટકાના જુગાર સામે કાર્યવાહી હાથ ધરી એક શખ્સને રૂ. 12,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ મહુવા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અલ્તાફ યાસીફખાન પઠાણ નામનો શખ્સ પર્પલ રંગનું ટી-શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરી જાહેરમાં પૈસાની આપ-લે કરીને વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો છે.

આ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે અલ્તાફ યાસીફખાન પઠાણ, રહે. નાગરવાડા, વલીભાઈના ચોક, મહુવા,ને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા 52 ગંજીપત્તાના પાના તેમજ રોકડ રૂ. 12,500 મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં આ જુગાર પ્રવૃત્તિમાં માહિર અબ્દુલકાદર મોરખ, રહે. નવાઝાપા, ઝમઝમ બિલ્ડિંગ, મહુવા નામનો શખ્સ પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. જોકે તે પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.

આ બનાવ અંગે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર જુગાર, દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી જ રીતે સઘન કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande