

વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) વડોદરા: શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓની સ્થિતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તાંદલજાના કિસ્મત ચોકડી મેન રોડ પર મહાકાય ભુવો પડતાં સુરક્ષાના ભાગરૂપે માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ઘટનાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, તાંદલજા કિસ્મત ચોકડી મેન રોડ પર અચાનક રસ્તો ધસી જતાં વિશાળ ભુવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કોઈ દુર્ઘટના ન બને તે માટે ભુવાની આસપાસ બેરિકેડિંગ કરીને માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.
માર્ગ બંધ થતાં વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અધિકારીઓ દ્વારા સ્થળ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ચોમાસાની શરૂઆતમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા ધસી પડવા અને ભુવા પડવાની સતત ઘટનાઓ સામે આવતાં પ્રિ-મોન્સૂન કામગીરીની ગુણવત્તા અને આયોજન અંગે ફરી સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોએ તંત્ર પાસે માર્ગનું તાત્કાલિક સમારકામ પૂર્ણ કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કાયમી અને અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ