
મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.) ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મંદિર ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર ફરતા આરોપીને મહેસાણા એસઓજીની ટીમે ઝડપી પાડી વધુ તપાસ માટે પોલીસને સોંપ્યો છે.એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન એસઓજીના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મંદિર ચોરીના ગુનાનો ફરાર આરોપી ઇકબાલ અબ્દુલગની અહેમદભાઈ પઠાણ મહેસાણા-હાઈવે પર દર્શન હોટલ નજીક હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની જોગવાઈ મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરીમાં એએસઆઈ ડાહ્યાભાઈ ગણેશભાઈ, હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમાર અરજણજી, હેમેન્દ્રસિંહ કીર્તિસિંહ, મુકેશકુમાર ખીમજીભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજય કરશનભાઈ અને મનુભા વિનુભાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR