
અમરેલી, 09 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા આજે અમરેલી તાલુકાના ખડખંભાળિયા ગામે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક વહીવટી અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી.
મંત્રીએ ગામના ખેડૂતો અને સ્થાનિક નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમના પાક, ખેતીની જમીન, રસ્તાઓ તેમજ અન્ય થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી. ગ્રામજનોએ પોતાની મુશ્કેલીઓ અને સહાય અંગેની માંગણીઓ રજૂ કરતાં મંત્રીએ તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા હતા.
આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને સરકારની જોગવાઈ મુજબ વહેલી તકે સહાય ઉપલબ્ધ કરાવવા, નુકસાનનું સર્વેક્ષણ ઝડપથી પૂર્ણ કરવા તથા રસ્તા, વીજ પુરવઠો અને અન્ય આવશ્યક સેવાઓને ઝડપથી પૂર્વવત્ કરવા સૂચનાઓ આપી હતી.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર વરસાદથી અસરગ્રસ્ત દરેક પરિવારની સાથે છે અને કોઈ પણ જરૂરિયાતમંદને સહાયથી વંચિત રાખવામાં આવશે નહીં. જનજીવન ઝડપથી સામાન્ય બને અને ખેડૂતોને યોગ્ય રાહત મળે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત રહે તેવી પણ તેમણે સૂચના આપી હતી. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai