

વડોદરા, 09 જુલાઈ (હિ.સ.) : શહેરમાં તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પીડિતાની માતાની ફરિયાદના આધારે અકોટા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ગોત્રી વિસ્તારના જ્ઞાનસુધા ફ્લેટમાં રહેતા નરેન્દ્ર ભટ્ટ નામના વ્યક્તિએ તાંત્રિક વિધિના બહાને સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પીડિતાએ હિંમત દાખવી ઘટનાનો વીડિયો બનાવી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે પીડિતાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપી નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે.
હાલ પોલીસે સમગ્ર મામલે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. કેસની તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પીડિતાની ઓળખ સુરક્ષિત રહે તે માટે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ