અમદાવાદમાં નવી આરટીઓ કચેરીનું સાત વર્ષે તૈયાર થતાં લોકાર્પણ,AI ટેસ્ટ ટ્રેક ને સિંગલ વિન્ડો સિસ્ટમ
અમદાવાદ,09 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં સુભાષબ્રિજ ખાતે નવી આરટીઓ કચેરીનું સાત વર્ષે તૈયાર થતાં લોકાર્પણ થયું.AI ટેસ્ટ ટ્રેક ને સિંગલ વિન્ડો સિસ્ટમ. વર્ષોથી સુભાષબ્રિજ ખાતે જૂની ઇમારતમાં ચાલતી અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી હવે અત્ય
New RTO office in Ahmedabad


અમદાવાદ,09 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં સુભાષબ્રિજ ખાતે નવી આરટીઓ કચેરીનું સાત વર્ષે તૈયાર થતાં લોકાર્પણ થયું.AI ટેસ્ટ ટ્રેક ને સિંગલ વિન્ડો સિસ્ટમ. વર્ષોથી સુભાષબ્રિજ ખાતે જૂની ઇમારતમાં ચાલતી અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ ગઈ છે.

AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, સંપૂર્ણ એર-કન્ડિશન્ડ બિલ્ડિંગ, ડિજિટલ સેવા વ્યવસ્થા અને દિવ્યાંગોને અનુકૂળ સુવિધાઓ સાથે નવી આરટીઓ કચેરી અરજદારોનો સમય બચાવશે અને સેવાઓને વધુ પારદર્શક બનાવશે.

અમદાવાદના લાખો વાહનચાલકો માટે આજે મહત્વનો દિવસ છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત નવી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી આરટીઓ કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે. વર્ષોથી જૂની કચેરીમાંથી કામગીરી કરતી આરટીઓ હવે પોતાના આધુનિક અને સુવિધાસભર સંકુલમાં સ્થળાંતર થઈ ગઈ છે. અનેક વખત મુલતવી રહેલા આ પ્રોજેક્ટને આખરે પૂર્ણતા મળી છે. સોમવારથી તમામ સુવિધાઓ નવી આરટીઓ કચેરીમાંથી કરવામાં આવશે.

નવી આરટીઓ કચેરી સંપૂર્ણ એર-કન્ડિશન્ડ છે અને અંદાજે 12,787 ચોરસ મીટરના બિલ્ટ-અપ વિસ્તારમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળ બનાવવામાં આવ્યા છે. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન, માલિકી પરિવર્તન, પરમિટ સહિતની મોટાભાગની જાહેર સેવાઓ સરળતાથી મળી શકશે. અરજદારો માટે વિશાળ વેઇટિંગ એરિયા, ડિજિટલ ટોકન સિસ્ટમ, આધુનિક કાઉન્ટરો, લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ, દિવ્યાંગોને અનુકૂળ રેમ્પ અને પૂરતી પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સૌથી મહત્વની બાબત એ છે કે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને આધુનિક કંટ્રોલ રૂમ દ્વારા ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક અને માનવ હસ્તક્ષેપ વિનાની બનાવવામાં આવી છે.

નવી કચેરી શરૂ થતાં અરજદારોને લાંબી કતારો, જગ્યા અભાવ અને જૂની કચેરીમાં થતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. ડિજિટલ નેટવર્ક, હાઈ-સ્પીડ કનેક્ટિવિટી, સોલાર પાવર સિસ્ટમ અને આધુનિક ઇલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓને કારણે કામગીરી વધુ ઝડપી બનશે. માત્ર નવી બિલ્ડિંગ ઊભી કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર આરટીઓ સેવાને સ્માર્ટ, પારદર્શક અને નાગરિક કેન્દ્રિત બનાવવામાં આવી છે. વધતા વાહનો અને અરજદારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ હાઈટેક આરટીઓ આગામી વર્ષોમાં અમદાવાદની વાહન વ્યવહાર સેવાઓનું મહત્વનું કેન્દ્ર બની જવાની છે.

નવી આરટીઓ કચેરીનું સૌથી મોટું આકર્ષણ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક રહેશે. આ ટ્રેકમાં ઉમેદવારના ડ્રાઈવિંગનું મૂલ્યાંકન સંપૂર્ણપણે સેન્સર, કેમેરા અને AI ટેક્નોલોજી દ્વારા થશે, જેથી માનવ હસ્તક્ષેપની શક્યતા નહીં રહે. ઉમેદવારે ટ્રેક પર કોઈ ભૂલ કરી હોય, લાઇન ક્રોસ કરી હોય કે નિયમોનો ભંગ કર્યો હોય તો સિસ્ટમ તરત જ તેને રેકોર્ડ કરીને પરિણામ તૈયાર કરશે. પરિણામે ડ્રાઈવિંગ ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક, નિષ્પક્ષ અને ભ્રષ્ટાચારમુક્ત બનશે તેમજ લાયસન્સ ફક્ત યોગ્ય રીતે ટેસ્ટ પાસ કરનાર અરજદારોને જ મળશે.લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આરટીઓ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. તેમજ અમદાવાદના ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર સાથે પણ બેઠક કરી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં વધુ લોકો સુવિધાઓને લાભ લે તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. સરકારની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને તંત્રે સંકલનથી કાર્ય કરવું જરૂરી છે. નવી આરટીઓ કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરતાં જણાવ્યું કે જાહેર સંપત્તિનું જતન કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

અમદાવાદ આરટીઓના અધિકારી બાલમુકુન્દ સૂર્યવંશીએ જણાવ્યું કે, આપણી નવી અમદાવાદ આરટીઓ બિલ્ડીંગ, PB એરિયા અને AI ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવી બિલ્ડીંગ બે ભાગમાં વહેંચાયેલી છે, જેમાં સંપૂર્ણ વાતાનુકૂલિત PB એરિયામાં તમામ પબ્લિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે અને ત્યાં 260 લોકો માટે વેઇટીંગની વ્યવસ્થા છે. લર્નિંગ લાયસન્સ માટે એકસાથે 26 લોકો ટેસ્ટ આપી શકે તેવી વ્યવસ્થા છે, અને નવા ટ્રેક પર ટેસ્ટ કેવી રીતે આપવી તે સમજવા 100 લોકો એકસાથે બેસી શકે તેવો વીડિયો રૂમ પણ બનાવ્યો છે.

AI ટ્રેકને લઈને બાલમુકુન્દ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, સોમવારથી અમે નવો AI ટેસ્ટ ટ્રેક પબ્લિક માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. ફોર-વ્હીલર માટે આ ટેસ્ટ 4 તબક્કામાં વહેંચાયેલો છે. જેમાં રિવર્સ S, ઇંગ્લિશ 8, પેરેલલ પાર્કિંગ અને ઢાળ. રિવર્સ S અને ઇંગ્લિશ 8માં 2 વાર સુધી કર્બ હિટ માન્ય છે, પણ ત્રીજી વાર ભૂલ થવા પર વ્યક્તિ ફેલ ગણાશે. દરેક તબક્કા માટે 60 થી 120 સેકન્ડનો સમય નક્કી કરાયો છે અને ટ્રાફિક લાઈટના નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત છે. અગાઉ ઇન્સ્પેક્ટર જાતે નજર રાખીને પાસ-ફેલનો નિર્ણય લેતા, પણ હવે આ આખો ટ્રેક સંપૂર્ણપણે AI આધારિત કેમેરાથી સજ્જ છે, એટલે હવે ક્યાંય પણ માનવીય દખલગીરી રહેશે નહીં. જો તમે ખરેખર પાસ હશો તો પાસ જ ગણાશો અને ફેલ હશો તો ફેલ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande