
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ ગુજરાતમાં પ્રથમ વખત કાર્બન ક્રેડિટ કમિટીની રચના કરી છે. કમિટીના ચેરમેન તરીકે ડો. બાબુભાઈ પ્રજાપતિએ પદભાર સંભાળ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ પાટણને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી શહેર બનાવવાનો છે.
કાર્બન ક્રેડિટ એ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડા બદલ મળતું ટ્રેડેબલ પ્રમાણપત્ર છે. વૈશ્વિક કાર્બન ક્રેડિટ માર્કેટમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી વર્ષોમાં આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ડો. બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કમિટી ઓક્સિજન પાર્ક, સોલાર ઊર્જા, એલઈડી લાઇટનો ઉપયોગ, પ્રદૂષણ ઘટાડતા ચુલા, પુનર્જીવિત કૃષિ અને ટ્રાફિક વ્યવસ્થાપન જેવી યોજનાઓ પર કાર્ય કરશે. આ પ્રોજેક્ટોથી પર્યાવરણનું સંરક્ષણ થશે તેમજ ભવિષ્યમાં નગરપાલિકાને આવકનો નવો સ્ત્રોત પણ મળશે.
આ પ્રસંગે શહેરના ભાજપ આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, રોટરી ક્લબના સભ્યો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ડો. બાબુભાઈ પ્રજાપતિને કાર્બન ક્રેડિટ કમિટીના ચેરમેન તરીકે શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ