

- ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી છે
ભરૂચ, 09 જુલાઈ (હિ.સ.) : માનવ વસાહતોમાં વન્યજીવો આવી ચડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભરૂચના રહેણાંક વિસ્તારમાં એક વન્યજીવ શાહુડી ઘૂસી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ વ્યાપી ગયો હતો. જો કે, વન વિભાગ અને સ્થાનિક એનજીઓના સમયસરના સંકલનથી શાહુડીને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવી છે.
ભરૂચના એક મુસ્લિમ રહેણાંક સોસાયટીમાં અચાનક વન્યજીવ શાહુડી આવી ચડતાં સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા. શાહુડી એક ઘરના દાદર નીચે ભરાઈ ગઈ હોવાની જાણ થતાં જ તાત્કાલિક એનજીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાઇલેન્ડમાંથી તાહિર રાશીદનો કોલ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ પર આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને હિરેન શાહે વિલંબ કર્યા વિના તાત્કાલિક વન વિભાગના આર.એફ.ઓ. નો સંપર્ક સાધ્યો હતો.
વન વિભાગની સૂચના અનુસાર, વિભાગના કર્મચારી કેયુર પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન કર્મચારી કેયુર પટેલને સાથે રાખીને હિરેન શાહ અને રમેશ દવેએ દાદર નીચે છુપાયેલી શાહુડીને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. આ વન્યજીવ ખૂબ જ ડરેલો હોવાથી તેને સુરક્ષિત રીતે કાબૂમાં લેવો પડકારજનક હતો. આશરે 50 મિનિટની ભારે જહેમત અને સુઝબુઝભરી મહેનત બાદ આખરે શાહુડીને કોઈપણ પ્રકારની ઈજા વગર સહી-સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં સફળતા મળી હતી.
શાહુડીના સફળ રેસ્ક્યુ બાદ વન વિભાગના આર.એફ.ઓ.ને આ અંગે વિગતવાર જાણ કરવામાં આવી હતી. નિયમ મુજબ, વન્યજીવની તબીબી તપાસ કરાવવામાં આવી હતી. જેમાં ડૉક્ટરે શાહુડી સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું.
ત્યારબાદ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, શાહુડીને તેના કુદરતી આવાસમાં જ્યાં તેને પૂરતો ખોરાક અને પાણી મળી રહે તેવા અનુકૂળ તેમજ સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવી હતી. વન વિભાગ અને એનજીઓની આ ત્વરિત અને સરાહનીય કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ