પાટણ નાગરિક સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર સાબિત કરો અથવા માફી માગો: મહેન્દ્ર પટેલનો પડકાર
પાટણ, 09 જુલાઈ (હિ.સ.)પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડની તાજેતરની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલે બહુમતી સાથે જીત મેળવી છે. ચૂંટણી દરમિયાન પરિવર્તનશીલ પેનલે બેંકમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના ગંભીર આક્ષેપો કર્યા હતા. હવે બેંકના પૂર્વ ચેરમેન મહેન્દ્ર પટેલે વિ
નાગરિક સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર સાબિત કરો અથવા માફી માગો: મહેન્દ્ર પટેલનો પડકાર


પાટણ, 09 જુલાઈ (હિ.સ.)પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડની તાજેતરની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલે બહુમતી સાથે જીત મેળવી છે. ચૂંટણી દરમિયાન પરિવર્તનશીલ પેનલે બેંકમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના ગંભીર આક્ષેપો કર્યા હતા. હવે બેંકના પૂર્વ ચેરમેન મહેન્દ્ર પટેલે વિરોધ પક્ષના ચૂંટાયેલા ડિરેક્ટરોને ખુલ્લો પડકાર આપતાં જણાવ્યું છે કે તેઓ બેંકમાં થયેલા કથિત કૌભાંડો પુરાવા સાથે સાબિત કરે, નહીં તો સભાસદો અને પ્રજાની જાહેરમાં માફી માંગે.

ચૂંટણીના પરિણામમાં પ્રગતિશીલ પેનલના 9 અને પરિવર્તનશીલ પેનલના 6 ઉમેદવારો વિજયી બન્યા હતા. મહેન્દ્ર પટેલે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન ખોટા આક્ષેપો અને અપપ્રચાર દ્વારા સભાસદોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સભાસદોએ ફરી એકવાર પ્રગતિશીલ પેનલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પૂર્વ ચેરમેને જણાવ્યું કે હવે વિરોધ પક્ષના ચૂંટાયેલા 6 ડિરેક્ટરોને બેંકના તમામ દસ્તાવેજો અને કામગીરી તપાસવાની તક મળશે. જો તેઓ ચૂંટણી દરમિયાન કરાયેલા 25 લાખ રૂપિયાના કથિત ગેરવહીવટ સહિતના આક્ષેપો સાબિત કરી શકે તો જવાબદારો સામે કાર્યવાહી કરાવે, પરંતુ જો આક્ષેપો ખોટા સાબિત થાય તો જાહેરમાં માફી માંગવી જોઈએ.

નવી બોર્ડ દ્વારા બેંકના વિકાસ માટે અનેક આયોજન કરવામાં આવ્યા છે. તેમાં પદ્મનાભ વિસ્તારમાં નવી શાખા શરૂ કરવી, ગ્રાહકો માટે નેટ બેંકિંગ સહિતની આધુનિક ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવી, સભાસદો માટે ગિફ્ટ વિતરણની મુદ્દત એક મહિના સુધી લંબાવવી તેમજ ભવિષ્યમાં સ્ટાફની ભરતી સંપૂર્ણ પારદર્શક અને ઓપન પ્રક્રિયા દ્વારા કરવાની વિચારણા કરવામાં આવી છે.

વારસાઈ હક અંગે પણ નવી બોર્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જ્યાં નોમિની નક્કી નથી તેવા કેસોમાં જરૂરી સંમતિપત્રો મેળવી વારસાઈ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જ્યારે નોમિની ધરાવતા કેસોમાં પણ નિયમ મુજબ કામગીરી થશે. આ તમામ નિર્ણયો આગામી જનરલ સભામાં મંજૂર થયા બાદ અમલમાં મૂકવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande