
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : ઐતિહાસિક નગરી પાટણના વોર્ડ નં. 11માં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશો અને કોંગ્રેસ કાર્યકરોએ નગરપાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો. અખંડ આનંદ સોસાયટીના ગેટ પાસે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના પ્રતીકાત્મક પૂતળા ગટરના પાણીમાં બેસાડી વિરોધ કરવામાં આવ્યો.
ગટરના ગંદા પાણીથી આસપાસની 25 જેટલી સોસાયટીઓ પ્રભાવિત થઈ છે. રેડક્રોસ દવાખાનું, કે.કે. આર્ટ્સ સ્કૂલ અને પદ્મનાભ ભગવાનના મંદિરે આવતા લોકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરોધ દરમિયાન લોકો પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને પાલિકા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના હોદ્દેદારો અને સ્થાનિક કોર્પોરેટરોએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ રબારીએ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે શહેરની હાલત બગડી ગઈ છે. તેમણે ચેતવણી આપી કે જો ટૂંક સમયમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો મહિલાઓ નગરપાલિકાની કચેરીને તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ