
પાટણ, 09 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર નગરપાલિકાના નવા પ્રમુખ અને બોર્ડના સભ્યોએ નિવૃત્ત કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી તેમના હક્કના પેન્શનની નિયમિત ચુકવણી માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરી છે. સત્તા સંભાળ્યાના માત્ર 45 દિવસમાં જ બે પેન્શનની ચુકવણી થતાં નિવૃત્ત કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નવી વ્યવસ્થા હેઠળ પેન્શનની રકમ નિયમિત પગાર સાથે જ ચૂકવાય તે માટે જરૂરી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. લાંબા સમયથી નિવૃત્ત કર્મચારીઓ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેના નિરાકરણ તરફ આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ કામગીરી બદલ સિદ્ધપુર નગરપાલિકાના તમામ નિવૃત્ત કર્મચારીઓના સંગઠને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી, બોર્ડના તમામ સભ્યો તેમજ મુખ્ય અધિકારી કૃપેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. સંગઠને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ કર્મચારીઓના હિતમાં આવી જ સંવેદનશીલ કામગીરી ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ