
ભાવનગર, 09 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખુનની કોશિશના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે દેશી બનાવટની પિસ્ટલ અને કટ્ટા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ. 12,000 કિંમતના બે ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખુનની કોશિશના ગુનામાં ફરાર આરોપી હરીચંદ્રસિંહ ઉર્ફે પીન્ટુભા નિરૂભા ગોહિલ (ઉંમર 43), વતન વાંગધ્રા ગામ, તાલુકો ઉમરાળા, હાલ ભાવનગર-રાજકોટ હાઇવે પર ચિત્રા વિસ્તારમાં મસ્તારામ મંદિર નજીક સરકારી અનાજના ગોડાઉન પાસે હાજર છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી આરોપીને ઝડપી લીધો હતો. તેની તલાશી દરમિયાન તેની પાસેથી એક દેશી બનાવટનો કટ્ટો તથા એક સિલ્વર રંગની દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. બંને હથિયારો અંગે આરોપી કોઈપણ પ્રકારનો કાયદેસર પરવાનો રજૂ કરી શક્યો ન હતો.
પકડાયેલા આરોપી સામે અગાઉ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ખુનની કોશિશ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તે લાંબા સમયથી ફરાર હતો. આરોપી પાસેથી રૂ. 2,000 કિંમતનો દેશી કટ્ટો અને રૂ. 10,000 કિંમતની દેશી પિસ્ટલ મળી કુલ રૂ. 12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ માટે આરોપીને બોરતળાવ પોલીસને સોંપવામાં આવ્યો છે, જ્યારે ઉમરાળા પોલીસ સ્ટેશનને પણ તેની ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA