તળાજા ખાતે 551 વૃક્ષોના વાવેતર સાથે “જનકલ્યાણ મહેસૂલી વન”નું લોકાર્પણ, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો
ભાવનગર, 09 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે તાલુકા વહીવટી તંત્ર દ્વારા મામલતદાર કચેરી ખાતે 551 વૃક્ષોના વાવેતર તેમજ “જનકલ્યાણ મહેસૂલી વન”ના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ
વન કવચ લોકાર્પણ કરવામાં આવ્યા


ભાવનગર, 09 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે તાલુકા વહીવટી તંત્ર દ્વારા મામલતદાર કચેરી ખાતે 551 વૃક્ષોના વાવેતર તેમજ “જનકલ્યાણ મહેસૂલી વન”ના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું વાતાવરણ આપવા માટે પણ અત્યંત જરૂરી છે. “જનકલ્યાણ મહેસૂલી વન” જેવી પહેલ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

કાર્યક્રમ દરમિયાન તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુ સોલંકી, પ્રાંત અધિકારી જયકુમાર રાવળ, મામલતદાર એમ.ડી. જાની, આગેવાન આઈ.કે. વાળા, મેહુલ ડાંગર સહિત નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, વન વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાંત અધિકારી, મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ તાલુકા વહીવટી તંત્રના સ્ટાફે પણ વૃક્ષારોપણમાં સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વાવવામાં આવેલા વૃક્ષોની યોગ્ય રીતે સંભાળ રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને જનભાગીદારીથી કુદરતનું જતન કરવા માટે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande