સુરતમાં ત્રણ માળની રહેણાંક ઈમારત એક તરફ ઝૂકતાં અફરાતફરી, તમામ રહીશોને સલામત બહાર ખસેડાયા
સુરત, 09 જુલાઈ (હિ.સ.) : સુરતના પરવત ગામ વિસ્તારમાં આવેલી ત્રણ માળની રહેણાંક ઈમારત અચાનક એક તરફ ઝૂકી જતાં આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઈમારતમાં રહેતા આશરે 40થી 50 લોકો તાત્કાલિક પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં
Surat


સુરત, 09 જુલાઈ (હિ.સ.) : સુરતના પરવત ગામ વિસ્તારમાં આવેલી ત્રણ માળની રહેણાંક ઈમારત અચાનક એક તરફ ઝૂકી જતાં આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઈમારતમાં રહેતા આશરે 40થી 50 લોકો તાત્કાલિક પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને સાવચેતીના પગલાંરૂપે સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

માહિતી અનુસાર, પટેલ ફળિયા પાછળ આવેલા વીર દર્શન એપાર્ટમેન્ટના પાછળના ભાગમાં અચાનક ઝુકાવ જોવા મળ્યો હતો. તેની સાથે જ બિલ્ડિંગની કેટલીક દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોના શટર નજીક પણ ગાબડાં દેખાતા ઈમારતની મજબૂતાઈ અંગે ચિંતા ઊભી થઈ હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ તરત જ બચાવ માટે દોડધામ શરૂ કરી હતી.

ફાયર વિભાગે તમામ રહીશોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ સુરત મહાનગરપાલિકાને ઘટનાની જાણ કરી હતી. પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી બિલ્ડિંગને સંપૂર્ણપણે ખાલી કરાવી સીલ કરવાની કાર્યવાહી કરી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની નોંધાઈ નથી. હવે સ્ટ્રક્ચરલ એન્જિનિયરો દ્વારા ઈમારતની વિગતવાર તપાસ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande