
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : પાટણમાં શિશુ તસ્કરી અને ગેરકાયદે બાળ વેચાણ કેસમાં જેલમાં બંધ મુખ્ય આરોપી સુરેશ ઠાકોર અને સહ-આરોપી નરસંગ રબારીને સેશન્સ કોર્ટે માનવતાના ધોરણે કડક શરતો સાથે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
સુરેશ ઠાકોરને પત્નીના ઓપરેશન માટે 15 જુલાઈ 2026 સુધી જામીન આપવામાં આવ્યા છે. તેને 15 હજારનું જામીનખત, 15 હજારનો બોન્ડ અને 75 હજાર રૂપિયા રોકડ સિક્યોરિટી જમા કરાવવાની શરત રાખવામાં આવી છે.
કેસ મુજબ સુરેશે માર્ચ 2024માં પાટણની હોસ્પિટલમાંથી બાળક લાવી ફરિયાદીને ₹1.20 લાખમાં વેચ્યું હતું. બાદમાં દત્તકના કાયદેસર દસ્તાવેજો આપ્યા ન હતા અને ખોટું જન્મ પ્રમાણપત્ર પણ બનાવડાવ્યાનો આરોપ છે.
સુરેશ પર ડિગ્રી વગર એલોપેથિક સારવાર કરીને લોકોના જીવ જોખમમાં મૂકવાનો પણ આરોપ છે. પત્નીના ઓપરેશન અને પુત્રની કોલેજ ફીના ખર્ચને ધ્યાનમાં રાખી કોર્ટે અરજી અંશતઃ મંજૂર કરી હતી.
સહ-આરોપી નરસંગ રબારીને મોટાબાપાની સામાજિક વિધિમાં હાજરી આપવા માટે 8થી 12 જુલાઈ 2026 સુધી ચાર દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. નરસંગ રબારીએ 75 હજાર રૂપિયા ડિપોઝિટ, 25 હજારના જામીન અને જાતમુચરકા રજૂ કરવાની શરત હેઠળ 12 જુલાઈએ સાંજે 5 વાગ્યા સુધી જેલમાં પરત હાજર થવાનો કોર્ટનો આદેશ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ