
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોલીસ દ્વારા પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે ચાલી રહેલા અભિયાન દરમિયાન પોરબંદર એસ.ઓ.જી.એ મહત્વની સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમને મળેલી બાતમીના આધારે એરપોર્ટ સામે આવેલી શિવ રેસિડન્સીના રૂમ નં. 606 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન બે શખ્સોને ચરસ (હશિશ) અને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં નાગાજણ ઉર્ફે નાગો ગીગાભાઈ બાંભણિયા (રહે. પોરબંદર) અને કેયુર કિશોરભાઈ હિરાણી (રહે. રાજકોટ) સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી અંદાજે 198 ગ્રામ ચરસ, 55 ગ્રામ ગાંજો, એક ઇલેક્ટ્રોનિક વજનકાંટો અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3,15,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને સામે સંબંધિત પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આરોપી નાગાજણ બાંભણિયા સામે અગાઉ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન, કમલાબાગ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ મથકોમાં અપહરણ, મારામારી તેમજ દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આરોપી કૈફ હિરાણી સામે રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે તેમજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત ગુનાઓ પણ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ દર્શાવે છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. જાડેજા, એ.એસ.આઈ. મહેબૂબભાઈ બેલીમ, રવિભાઈ ચાંઉ, મોહિતભાઇ ગોરાણીયા, ભરતસિંહ ગોહિલ, ભીમાભાઈ ઓડેદરા, હરદાસભાઈ ગરચર, પો. કોન્સ્ટેબલ દીપકભાઈ મોઢવાડિયા, સરમણભાઇ ખુટી તથા ચંદ્રસિંહ જાડેજા સહિતની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya