
વલસાડ, 09 જુલાઈ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ લાંબા સમયથી ફરાર અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત વધુ એક મહત્વની સફળતા મેળવી છે. પારડી, ડુંગરી અને વાપી GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટ અને ઘરફોડ ચોરીના કુલ પાંચ ગુનાઓમાં છેલ્લા નવ વર્ષથી ફરાર રહેલા આરોપીને રાજસ્થાનના પાલી જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ, આરોપી અશ્વિન જગદીશભાઈ ઠાકુર જિલ્લા પાલી (રાજસ્થાન) છે. તે મહારાષ્ટ્રના મલાડ (પૂર્વ) વિસ્તારમાં પણ રહેતો હતો. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની પેરોલ-ફર્લો સ્કવોડે પાલી ખાતે દરોડો પાડી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આરોપી સામે વર્ષ 2018 અને 2019 દરમિયાન પારડી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ત્રણ, વાપી GIDC પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો એક અને ડુંગરી પોલીસ સ્ટેશનમાં લૂંટનો એક ગુનો સહિત કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે. ડુંગરી પોલીસ સ્ટેશનના ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 394, 506(2), 120(B), 114 ઉપરાંત આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો.તપાસ દરમિયાન આરોપી સામે મહારાષ્ટ્રના દહાણુ અને દાદર તેમજ રાજસ્થાનના આહોર પોલીસ સ્ટેશનમાં પણ ચોરી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ. યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. ધનેશા તથા LCB પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ યોગેશભાઈ કાંતિલાલ, હરદેવસિંહ રણજીતસિંહ અને પંકજભાઈ રૂપાભાઈએ ટીમવર્કથી સફળ બનાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha