
વાપી,09 જુલાઈ (હિ.સ.) વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારના મોરાઈ ખાતે દરોડો પાડી 0.745 કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજો, મોબાઇલ ફોન, રોકડ રકમ અને ગાંજો ભરવા માટે ઉપયોગમાં લેવાયેલી થેલીઓ સહિત કુલ રૂ. 57,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે કાર્યવાહી કરવા મળેલી સૂચનાના અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.પી. હડિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરાઈ વિસ્તારમાં વેલ્સપન કંપનીના ફેક્ટરી આઉટલેટ સામે બ્રિજ નીચે આવેલી પાન-મસાલાની કેબિન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન રતન પરમેશ્વર સાહ નામના આરોપીની તપાસ કરતાં તેની પાસેથી 0.745 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ. 37,250), એક મોબાઇલ ફોન (રૂ. 20,000), રોકડા રૂ. 450 તથા ગાંજો પેક કરવા માટે ઉપયોગમાં લેવાયેલી છ થેલીઓ મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી.આરોપી વિરુદ્ધ NDPS એક્ટ, 1985ની કલમ 8(સી), 20(બી)(II)(A) અને 29 હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર, પીએસઆઈ વાય.પી. હડિયા તેમજ એસઓજીની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha