

- સાયન્સ ટેક્નોલોજી મંત્રી અર્જૂન મોઢવાડિયાની ઉપસ્થિતિ
ગાંધીનગર, 09 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'નું લોન્ચિંગ કરતા જણાવ્યુ કે, આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા સૌથી મહત્વપૂર્ણ અને પાયાની સંપત્તિ બની ગયો છે. ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બનીને ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે તૈયાર કરેલી આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નો લોન્ચિગ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જૂન મોઢવાડિયા, મુખ્ય સચિવ એમ.કે.દાસ તેમજ ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીએ આ સમારોહમાં જણાવ્યું કે, ડિજિટલ ઈકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા ઇમર્જિંગ સેક્ટર્સને નવી ગતિ મળી છે તેમજ વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વિશાળ તકો ઉભી થઈ છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દેશને ક્લાઉડ અને એ.આઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્લોબલ હબ બનાવવા માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. સાથે જ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક કામગીરી માટે પ્રદાતાઓને 20 વર્ષનો ટેક્સ હોલીડે આપવામાં આવ્યો છે, તે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રેરકબળ બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત આજે દેશની ડિજિટલ વ્યવસ્થામાં મહત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે. એ.આઈ. આધારિત ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ સતત વધી રહી છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે આ 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29' અમલમાં મૂકી છે.
આ નવી પોલિસી દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ અને ગતિશીલ બનાવી શકાશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે, તે આ પોલિસીમાં સ્પષ્ટ જોવા મળે છે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર રાજ્યના જ નહીં, પરંતુ દેશના ન્યુ જનરેશન ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સમયમાં આવી નવી ટેક્નોલોજી અને ઇનોવેશન રાજ્યના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
નાયબ મુખ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ દેશમાં સેમિકન્ડક્ટર અને ડેટા ક્ષેત્રે ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાઓનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, ૧૯૭૬થી ૨૦૦૯ સુધી દેશમાં અનેક વચનો અને જાહેરાતો થઈ પરંતુ પ્રોજેક્ટ્સ જમીન પર ન ઉતરી શક્યા. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૧માં સેમિકન્ડક્ટર મિશન શરૂ થયું. માત્ર ૪ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતે ૩થી વધુ સેમિકન્ડક્ટર ઓસેટ (OSAT) પ્લાન્ટના લોકાર્પણ કરીને પોતાની ક્ષમતા સાબિત છે.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, નવી “વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી”ના પરિણામે ગુજરાત AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતને કુલ ૧૦ ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરના પ્રસ્તાવો મળ્યા છે. જેમાંથી ૮ ગીગાવોટ સુધીની ક્ષમતા વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ સમગ્ર દેશ અને દુનિયા માટે એક સંપૂર્ણ AI ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો એક ભાગ છે.
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે “વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી”ને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગેમ-ચેન્જર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટર્સના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે.
મુખ્ય સચિવએ ઉમેર્યું કે, ડેટા સેન્ટર્સ માટે જરૂરી પુષ્કળ માત્રામાં પાણી અને વીજળીની જરૂરિયાત પૂરી કરવા ગુજરાત સજ્જ છે, કારણ કે રાજ્ય પાસે વિશાળ દરિયાકાંઠો અને સૌર-પવન ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જીના વિપુલ સ્ત્રોત ઉપલબ્ધ છે. આ નવી પોલિસી દ્વારા ગુજરાતમાં અંદાજે રૂ. ૬ લાખ કરોડનું માતબર રોકાણ આવવાની અને મોટા પાયે રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે, જે વર્લ્ડ બેંકની વ્યાખ્યા મુજબ ગુજરાતને 'હાઈ-મિડલ ઇકોનોમી' તરીકે વધુ મજબૂત બનાવશે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ ડૉ. પી. ભારતીએ આ પોલિસીની વિશેષતાઓ વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, ઇન્ડસ્ટ્રી લીડર્સ, રોકાણકારો, વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ