પાટણના સોમનાથ નગર વિસ્તારમાં ગંદા પાણી મુદ્દે મહિલાઓનો પાલિકા ખાતે વિરોધ
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : પાટણના સોમનાથ નગર વિસ્તારમાં પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભળવાની સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ ગુરુવારે નગરપાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. લાંબા સમયથી સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
પાટણના સોમનાથ નગર વિસ્તારમાં ગંદા પાણી મુદ્દે મહિલાઓનો પાલિકા ખાતે વિરોધ


પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : પાટણના સોમનાથ નગર વિસ્તારમાં પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભળવાની સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ ગુરુવારે નગરપાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. લાંબા સમયથી સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વોર્ડ નં. 6ના નગરસેવક બિપીન રાવલ અને નગરસેવિકા નીલમના પતિ કનુભાઈ ઠાકર પણ મહિલાઓ સાથે પાલિકા પહોંચ્યા હતા. જોકે, ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ સહિત કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મહિલાઓએ લગભગ બે કલાક રાહ જોવી પડી હતી.

આખરે મહિલાઓએ હાજર કર્મચારીઓને મૌખિક રજૂઆત કરી હતી અને પુરાવા તરીકે ગંદા પાણીની બોટલો પણ બતાવી હતી. સાથે જ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરને ટેલિફોન દ્વારા સમગ્ર મામલે જાણ કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.

નગરસેવિકા નીલમબેન કનુભાઈ ઠાકરે જણાવ્યું હતું કે અગાઉ પણ સમસ્યા અંગે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે ચેતવણી આપી હતી કે જો આગામી 10 દિવસમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande