

પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : વિશ્વ મહાસાગર દિવસ-2026ની ઉજવણી નિમિત્તે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી WWF-India ગુજરાત અને ઓશન સોસાયટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે પોરબંદરના અસ્માવતી બીચ ખાતે વિશાળ દરિયાકાંઠા સફાઈ અભિયાન યોજાયું હતું. WWFIndiaના મરીન કન્ઝર્વેશન વિભાગના ગુજરાત હેડ ધવલ જુંગીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ધવલ જુંગીએ વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે મહાસાગરો જૈવવિવિધતાનો અમૂલ્ય ખજાનો હોવા ઉપરાંત કરોડો લોકોની આજીવિકાનો આધાર છે. ખાસ કરીને માછીમાર સમાજ માટે દરિયો જીવનરેખા સમાન હોવાથી તેના સંરક્ષણમાં દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે. સફાઈ અભિયાનમાં વિદ્યાર્થીઓ, માછીમાર સમાજના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓના કર્મચારીઓ સહિત 40થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અભિયાન દરમિયાન અસ્માવતી બીચ પરથી અંદાજે 580 કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વેપ્લાસ્ટિક, થર્મોકોલ, રબરના ઉત્પાદનો, ફિશિંગ નેટ, ફાઇબર અને કપડાંનો સમાવેશ થતો હતો. સૌથી વધુ પ્રમાણ પ્લાસ્ટિક, થર્મોકોલ અને રબરના કચરાનું નોંધાયું હતું. અભિયાનમાં જોડાયેલા તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે WWF-India દ્વારા ભાગીદારી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સહભાગીઓએ દરિયાઈ પ્રદૂષણ ઘટાડવા, દરિયાકાંઠાની સ્વચ્છતા જાળવવા અને દરિયાઈ સંપત્તિના સંરક્ષણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ધવલ જુંગીએ જણાવ્યું હતું કે દરિયાઈ પ્રદૂષણ આજે વૈશ્વિક પડકાર બની ગયું છે અને તેનો સામનો માત્ર સરકારી તંત્રથી નહીં પરંતુ દરેક નાગરિકની સક્રિય ભાગીદારીથી જ શક્ય બનશે. દરિયાને સ્વચ્છ રાખવો એટલે દરિયા સાથે જોડાયેલા લાખો લોકોના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે WWFIndia ગુજરાતની ટીમે આયોજન અને સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya