


પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : સ્માર્ટ પોરબંદર – ડિજિટલ પોરબંદરના વિઝનને વધુ વેગ આપવા પોરબંદર મહાનગરપાલિકાએ નાગરિક સુવિધા માટે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ અમલમાં મૂકી છે. મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હવે શહેરના અંદાજે 30 હજારથી વધુ મિલકતધારકોને હાઉસ ટેક્સના ડિમાન્ડ બિલ સીધા તેમના નોંધાયેલા WhatsApp નંબર પર મોકલવામાં આવશે.
નવી વ્યવસ્થાથી મિલકતધારકોને વેરાનું બિલ મેળવવા માટે મહાનગરપાલિકાની કચેરીએ ધક્કા ખાવા કે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. બિલની PDF સીધી મોબાઈલમાં પ્રાપ્ત થતાં ગમે ત્યારે અને ગમે ત્યાંથી બિલ જોઈ શકાશે. બિલમાં સમાવિષ્ટ 'Pay Now' વિકલ્પ પર ક્લિક કરીને સીધી ઓનલાઈન ચુકવણી કરી શકાશે, જ્યારે QR Code સ્કેન કરીને UPI, Net Banking, Debit Card અને Credit Card સહિતના વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા પણ સરળતાથી વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થાથી મહાનગરપાલિકાની કચેરી ખાતે થતી ભીડમાં ઘટાડો થશે, વહીવટી કામગીરી ઝડપી અને પારદર્શક બનશે તેમજ નાગરિકોના સમય અને ખર્ચની બચત થશે. ખાસ કરીને વડીલો, દિવ્યાંગો, નોકરી-ધંધા કરતા લોકો અને શહેરની બહાર રહેતા મિલકતધારકો માટે આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે. મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકોને પોતાના નોંધાયેલા મોબાઈલ નંબર કાર્યરત રાખવા તેમજ નંબર બદલાયો હોય તો હાઉસ ટેક્સ વિભાગમાં સુધારો કરાવવા અપીલ કરી છે, જેથી વેરાનું બિલ સમયસર WhatsApp પર મળી શકે.
*વેરા વસૂલાતને વેગ આપવા ડિજિટલ પહેલ*
પોરબંદર મહાનગરપાલિકા પાસે હાલ અંદાજે રૂ. 67 કરોડ જેટલો હાઉસ ટેક્સ અને અન્ય મિલકત વેરો બાકી હોવાનું જાણવા મળે છે. તેમાં ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના મોટા વેરાદારોનો નોંધપાત્ર હિસ્સો સામેલ છે. વર્ષ 2025-26 દરમિયાન અંદાજે રૂ. 23 કરોડનો વેરો બાકી હતો, જેમાંથી મહાનગરપાલિકાએ રૂ. 17 કરોડની વસૂલાત કરી હતી. તેમ છતાં કુલ બાકી વેરાની રકમ હજુ પણ રૂ. 67 કરોડ જેટલી હોવાથી વેરા વસૂલાતને વધુ ઝડપી, સરળ અને અસરકારક બનાવવા WhatsApp આધારિત બિલિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાને આશા છે કે આ ડિજિટલ પહેલથી વેરા વસૂલાતમાં નોંધપાત્ર વધારો થશે અને નાગરિકોને પણ ઘર બેઠાં ઝડપી તથા પારદર્શક સેવા મળશે.
વોટ્સએપ નંબર નોંધાયેલ ન હોય તો હાર્ડ કોપી યથાવત્ મળશે
જે મિલકતધારકોના WhatsApp નંબર હાઉસ ટેક્સ શાખામાં નોંધાયેલા નથી, તેઓને અગાઉની જેમ હાઉસ ટેક્સના બિલની હાર્ડ કોપી તેમના સરનામે પહોંચાડવામાં આવશે. મહાનગરપાલિકાએ આવા તમામ મિલકતધારકોને પોતાના WhatsApp મોબાઈલ નંબર હાઉસ ટેક્સ વિભાગમાં નોંધાવવા અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં બિલ સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી ઝડપથી અને સરળતાથી ડિજિટલ માધ્યમથી પ્રાપ્ત થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya