જૂનાગઢ જિલ્લાના ચાર વિદ્યાર્થીઓના સપના થયા સાકાર જ્ઞાનની પાંખે વિશ્વવિહાર : ડૉ. આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજનાથી સપનાઓને મળી વૈશ્વિક ઉડાન
જૂનાગઢ,09 જુલાઈ (હિ.સ.) ઉચ્ચ શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલતી ચાવી છે. આર્થિક મુશ્કેલીઓના કારણે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થીનું વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન અધૂરું ન રહી જાય તે માટે ગુજરાત સરકારના સામ
જૂનાગઢ જિલ્લાના ચાર વિદ્યાર્થીઓના સપના થયા સાકાર જ્ઞાનની પાંખે વિશ્વવિહાર : ડૉ. આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજનાથી સપનાઓને મળી વૈશ્વિક ઉડાન


જૂનાગઢ,09 જુલાઈ (હિ.સ.) ઉચ્ચ શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલતી ચાવી છે. આર્થિક મુશ્કેલીઓના કારણે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થીનું વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન અધૂરું ન રહી જાય તે માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ સ્કોલરશીપ લોન યોજના અમલમાં મૂકવામાં આવી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા આ યોજનાનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ચેતન પવાર, ઇન્ચાર્જ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, જૂનાગઢ જણાવે છે કે સરકાર દ્વારા આ યોજના હેઠળ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છુક અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 15 લાખ સુધીની લોન માત્ર ચાર ટકાના મામૂલી વ્યાજદરે આપવામાં આવે છે. વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને સ્થાયી થાય ત્યારબાદ આ રકમ પરત કરવાની હોય છે, જેના કારણે અભ્યાસ દરમિયાન આર્થિક બોજ અનુભવવો પડતો નથી.

તેઓ વધુમાં જણાવે છે કે વર્ષ 2025-26 દરમિયાન જૂનાગઢ જિલ્લામાંથી ચાર વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લાભ અપાવવામાં આવ્યો છે. અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરીને પોતાની સફળ કારકિર્દીનું નિર્માણ કર્યું છે. આજે તેઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે અને સરકારની આ યોજનાની સફળતાનો જીવંત પુરાવો રજૂ કરે છે.

આ યોજનાથી લાભાન્વિત થયેલા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ભાલા ગામના વિદ્યાર્થી જયદીપભાઈ વાઢેર પોતાની લાગણી વ્યક્ત કરતાં કહે છે કે ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તેમની વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની પ્રબળ ઇચ્છા હતી. વિદેશની યુનિવર્સિટીમાંથી તેમને પ્રવેશ માટે ઓફર લેટર પણ મળી ગયો હતો.પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સ્વપ્ન સાકાર કરવું મુશ્કેલ લાગતું હતું.

તે દરમિયાન તેમને ગુજરાત સરકારની ડૉ. આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ સ્કોલરશીપ લોન યોજના વિશે માહિતી મળી. ત્યારબાદ તેમણે જૂનાગઢ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનો સંપર્ક કર્યો. કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓના માર્ગદર્શન તથા સહયોગથી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી અને ખૂબ જ ટૂંકા સમયમાં ગાંધીનગર કચેરી દ્વારા તેમની લોન મંજૂર કરવામાં આવી. પરિણામે વિદેશમાં અભ્યાસ કરવાનું તેમનું સ્વપ્ન સાકાર થવાના માર્ગે આગળ વધ્યું.

જયદીપ વાઢેર જણાવે છે કે, જો આ યોજના ન હોત તો કદાચ મારું વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું સ્વપ્ન અધૂરું રહી જાત. સરકારની આ યોજનાએ મારી કારકિર્દીને નવી દિશા આપી છે. હું અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, જૂનાગઢ તેમજ ગુજરાત સરકારનો જીવનભર આભારી રહીશ.

આ યોજના માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ સુધી પહોંચાડવાનો એક સશક્ત પ્રયાસ છે. અનુસૂચિત જાતિના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાની તક પૂરી પાડીને રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સમાન તકોનું સશક્ત માળખું ઊભું કરી રહી છે.

આર્થિક મર્યાદાઓ પ્રતિભાના માર્ગમાં અવરોધ ન બને તે માટે ગુજરાત સરકારની આ યોજના અનેક પરિવારો માટે આશાનું કિરણ બની છે. જ્ઞાન, મહેનત અને સરકારના સહયોગના ત્રિવેણી સંગમથી આજે ગુજરાતના અનેક યુવાનો વિશ્વના શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાનો સુધી પહોંચી રહ્યા છે અને રાજ્યનું ગૌરવ વધારી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande