

વડોદરા, 01 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા જિલ્લામાં ભારે વરસાદના પગલે વાઘોડિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસી જતાં મધરાત્રે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક ટીમોની મદદથી 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ભારે વરસાદને કારણે વાઘોડિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાઈ જતાં મધરાત્રે પરિસ્થિતિ ગંભીર બની હતી.
રાત્રે આશરે 3:00 વાગ્યે વાઘોડિયા મામલતદાર, પોલીસ અને બચાવ ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બચાવ કામગીરી દરમિયાન કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, જેમાં 100 વિદ્યાર્થીનીઓ, 40 વિદ્યાર્થીઓ અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે.
વહીવટી તંત્ર દ્વારા સમયસર કામગીરી હાથ ધરાતા કોઈ જાનહાનિ થઈ નથી. તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડીને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર સતત એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો તેમજ હોસ્ટેલ, શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વહીવટી તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળે, સત્તાવાર સૂચનાઓનું પાલન કરે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ