
ભાવનગર, 01 ઓગસ્ટ (હિ.સ.) : યાત્રિયોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા રેલ સેવાઓ સંબંધિત સૂચનો પર વિચાર-વિમર્શ કરવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની બેઠક શુક્રવાર રોજ મંડળ રેલ પ્રબંધક કચેરી, ભાવનગર ખાતે યોજાઈ.
બેઠકની શરૂઆત સમિતિના સચિવ તથા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ કરી. તેમણે તમામ સભ્યોનું સ્વાગત કરતાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર મંડળમાં વિકસિત થઈ રહેલા રેલવે સ્ટેશનોની પ્રગતિ, વિવિધ નિર્માણ કાર્યો તેમજ મુસાફરો માટે પ્રસ્તાવિત આધુનિક સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી.
આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ તથા મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર મંડળમાં અમલમાં રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, આધારભૂત માળખાના ઉન્નતીકરણ તથા છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાપ્ત થયેલી મહત્વપૂર્ણ સિદ્ધિઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા. તેમણે જણાવ્યું કે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને ગુણવત્તાસભર રેલ સેવાઓ પ્રદાન કરવી મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમિતિના સભ્યો દ્વારા રજૂ કરાયેલા તમામ વ્યવહારુ તથા જનહિતના સૂચનો અને માંગણીઓ પર પ્રાથમિકતાના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
બેઠક દરમિયાન પાવર પોઇન્ટ પ્રસ્તુતિ દ્વારા ભાવનગર મંડળની સિદ્ધિઓ, પ્રગતિ હેઠળની યોજનાઓ તેમજ મુસાફર સુવિધાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ અંગે માહિતી આપવામાં આવી. સમિતિના સભ્યોએ પોતાના વિસ્તારો સાથે સંકળાયેલી રેલવે સંબંધિત સમસ્યાઓ, નવી ટ્રેનોના સંચાલન, લાંબા સમયથી બાકી રહેલી યોજનાઓના વહેલા અમલીકરણ તેમજ રેલવે સ્ટેશનો પર મુસાફર સુવિધાઓમાં વધુ સુધારા અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા.
બેઠકમાં સમિતિના સભ્ય તથા ભાવનગર (પૂર્વ)ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કિરણ એમ. ગાંધી, બૈજુ એસ. મહેતા, મહેન્દ્ર શાહ, ઉપેન્દ્રભાઈ જાની, પારસભાઈ સી. શાહ, ડૉ. આર.સી. ગુપ્તા (તમામ ભાવનગર) તેમજ પ્રવીણસિંહ બી. ઝાલા (સુરેન્દ્રનગર) ઉપસ્થિત રહ્યા.
બેઠકના અંતે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ તમામ સભ્યોનો તેમના અમૂલ્ય સૂચનો તથા સક્રિય સહભાગિતા બદલ આભાર વ્યક્ત કર્યો. આ અવસરે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ