
સોમનાથ,01 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડીયાની અધ્યક્ષતામાં આર.જી.એસ.એ. યોજના અંતર્ગત એ.પી.એમ.સી. કાજલી ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીઓ અને સભ્યઓની એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં નવા ચૂંટાયેલા સભ્યોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પંચાયતી રાજ વ્યવસ્થાના પરિચય થી લઈ ગ્રામસભા, વેરા વસૂલાત, 16 મા નાણાપંચ બાબતે જાણકારી અને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ વિશે તજજ્ઞો દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડીયાએ જણાવ્યું હતું કે, પંચાયતી રાજનું ત્રિસ્તરિય માળખું ગ્રામવિકાસનો આધારભૂત પાયો છે. આ પાયા થી લઈ ટોચ સુધીના માળખાને સમજવા માટે આ તાલીમ નવા ચૂંટાયેલા સદસ્યો થી લઈ તમામને ખૂબ ઉપયોગી નીવડશે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણે શાબ્દિક અભિવાદન કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીની વિભાવના અનુસાર સ્વરાજથી સુરાજ એટલે કે રાજકીય સ્વતંત્રતા મેળવ્યા પછી આ સ્વતંત્રતાને લોકકલ્યાણકારી શાસનમાં બદલવું. ગ્રામ સ્વરાજની આ વિભાવનાને લક્ષમાં લઈ આર.જી.એસ.એ. યોજના અંતર્ગત યોજાયેલી આ તાલીમ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓને ખૂબ જ ઉપયોગી બનશે એવો ભાવ વ્યકત્ કર્યો હતો.
નિવૃત નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.એ.કડેચાએ જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સદસ્યોની ભૂમિકા, સત્તાઓ, જવાબદારીઓ અને વૈદ્યાનિક ફરજો, ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ સહિત પંચાયતી રાજના 1 થી 16 પ્રકરણની વિસ્તૃત માહિતી સાથે ગ્રામસભાનું મહત્વ અને વિવિધ સ્થાયી સમિતિઓની રચના, સત્તા અને કામગીરીની વિગતો રજૂ કરી હતી.
તજજ્ઞ યોગેશ દવે એ 73 મા બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ માટે ફરજિયાત ન્યૂનતમ અનામત, લોકોની સહભાગીતા, પ્રણાલીમાં સમવિષ્ટ પ્રતિનિધિત્વ, નવા ચૂંટાયેલા પંચાયત સભ્યો માટે શાસન, આયોજન અને વિકાસ, આંગણવાડી, શાળા, હેલ્થ સેન્ટરના સર્વાંગી વિકાસ, ગામની જરૂરિયાતના આધારે ગુણવત્તાયુક્ત ગ્રામ પંચાયત વિકાસ આયોજન તેમજ વેરા વસૂલાત, ગ્રામ સ્વરાજ પોર્ટલનું અમલીકરણ, ૧૬મા નાણાપંચ અંતર્ગત આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તજજ્ઞ એન.ડી.અગ્રાવતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો, ઘન કચરા અને પ્રવાહી કચરાનું સુનિયોજીત અને વૈજ્ઞાનિક ઢબે નિકાલનો વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા અને જવાબદારી જેવા મુદ્દે નવા ચૂંટાયેલા પદાધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ તાલીમમાં બાયોડાયવર્સિટી ચેરમેન અજિતસિંહ ગોહિલ સહિત જિલ્લા પંચાયતના સભ્યઓ, વેરાવળ,ગીરગઢડા સહિત તાલુકા પંચાયતના પ્રમુખોઓ તેમજ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ